ગમ્મત લાગે છે…

હોઠો પર લાવવી મનની વાત,
બહુ મહેનત માંગે છે
શી ખબર મળશે કે નહીં સંગાથ,
એતો કિસ્મત માથે છે
મારું હૃદય તારા રુદીયામાં રહેવા
આમરણ અનામત માંગે છે
શાણી થઇ તું  પ્રેમ બક્ષીપંચી હોવાનું
સાચું પ્રમાણપત્ર માંગે છે
સાલું, ગમ્મત તો નથી પણ તને
આ ગમ્મત લાગે છે…
મારો પ્રેમ પ્રસ્તાવ પણ તને
એક રમત લાગે છે…

~કલ્પતરૂ

Advertisements

એટલામાં તો….

ક્યારેક એવું પણ બને કે બે વ્યક્તિ વચ્ચે એક અજબનો સંબંધ બંધાઈ રહ્યો હોય છે, એક પ્રેમ પ્રકરણની પૃષ્ઠભૂ તૈયાર થઈ રહી હોય છે… જે આસપાસના લોકો જોતા હોય છે પણ તેની એ બે વ્યક્તિઓને જ જાણ નથી હોતી.. કેવું ગજબ કહેવાય નહિ…
ચારેક વર્ષ પહેલાં ગુજરાત સમાચારની પૂર્તીમા એક કવિતા વાંચી હતી… જેમાં આ જ વાત સુંદર રીતે રજૂ કરી છે કવિ શ્રી જગદીશ વ્યાસજી એ… આ કવિતા મારા મનમાં રમતી જ રહે છે…  કોઈક ને કોઈક કારણસર… એટલે મન થયું કે અહીં share કરું…
તો ચાલો માણીએ….

“એટલામાં તો…. ”

આપણે હજી જાણતા નથી એકબીજાનું નામ
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.
જાઉં હું દોરો વ્હોરવા મને ખ્યાલ ન તારો હોય
એજ દુકાને તું પણ આવે વ્હોરવા માટે સોય.
ગામ એવું કે હાલતાં ભેગાં થઈએ ઠામોઠામ
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.
એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ
આપણી વચ્ચે આટલી છે બસ લેણ ગણો કે દેણ.
નેણ મળે ને અમથું હસી પડતાં સામોસામ
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.
કાલ સાંજે તો આરતી ટાણે ભીડ જામી’તી બહુ
‘જય અંબે માં, જય અંબે માં’ ધૂન ગાતા’તા સહુ.
ધૂન ગાતાંતા આપણે ‘રાધેશ્યામ હો રાધેશ્યામ’
એટલામાં તો આપણા બેની વાત કરે છે ગામ.

~જગદીશ વ્યાસ

દિવસ રાત જાગતું આ શહેર…

image

દિવસ રાત જાગતું આ શહેર
હર પળ હર ક્ષણે ભાગતું આ શહેર
દિવસ રાત જાગતું આ શહેર
કોઈક ના જીવનમાં ખુશીઓની લહેર
તો કોઈ પર વરસાવતું દુઃખોનું કહેર
દિવસ રાત જાગતું આ શહેર
લાખો લોકોને સમાવતું આ શહેર
હજારો લોકોને ભરખતુંયે આ જ શહેર
દિવસ રાત જાગતું આ શહેર
આશાઓ, સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ
જે લઈને આવે એને રાખતું આ શહેર
દિવસ રાત જાગતું આ શહેર

~ કલ્પતરૂ